રાહત પેકેજની માગણી સાથે સુરતમાં હીરા કામદારોની હડતાલ પર ઉતર્યા, રેલી કાઢી
રાહત પેકેજની માગણી સાથે સુરતમાં હીરા કામદારોની હડતાલ પર ઉતર્યા, રેલી કાઢી
Blog Article
રાહત પેકેજ અને વેતન વૃદ્ધિની માગણી સાથે રવિવાર, 30 માર્ચે સુરતમાં સુરતમાં સેંકડો હીરા કામદારોએ રેલી કાઢીને વિરોધી દેખાવો કર્યા હતાં. કેટલાંક કામદારો અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા હતાં. હીરો ઉદ્યોગમાં મંદીને કારણે કામદારોના વેતનમાં આશરે 50 ટકા સુધીનો ઘટાડો થયો છે.
ડાયમંડ કટર અને પોલિશર્સે કતારગામથી કાપોદરા હીરા બાગ વિસ્તાર સુધી આશરે 5 કિમી સુધી શાંતિપૂર્ણ રેલી કાઢી હતી. કામદારોએ કલ્યાણ બોર્ડની રચના, પગાર વધારો અને આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરનારા કામદારોના પરિવારોને સહાયની માંગ કરી છે અને તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત હડતાળ પર ઉતરવાની હાકલ કરી છે.
સુરત વિશ્વનું અગ્રણી ડાયમંડ સેન્ટર છે. શહેરમાં વિશ્વના લગભગ 90 ટકા રફ હીરાનું કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે. શહેરમાં 2,500થી વધુ કારખાનામાં 10 લાખ કામદારોને રોજી મળે છે.
ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત (DWUG)ના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે કામદારોને યોગ્ય કામ અને પગાર ન મળવાને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યું છે. ગયા વર્ષે આર્થિક તંગીને કારણે ઘણા લોકોએ આત્મહત્યા કરી છે.
બે અઠવાડિયા પહેલા એક પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સમક્ષ કેટલીક માગણીઓ કરી હતી. તેમાં કામદારો માટે પગાર વધારો, હીરાના ભાવમાં વધારો, કલ્યાણ બોર્ડની રચના, કામદારો પર લાદવામાં આવેલ વ્યાવસાયિક કર રદ કરવા, આત્મહત્યા કરનારાઓના પરિવારોને નાણાકીય સહાય અને કામના કલાકો નક્કી કરવાનો સમાવેશ થતો હતો.
ટાંકે દાવો કર્યો હતો કે હીરા ઉદ્યોગે કામદારોને પ્રોવિડન્ટ ફંડ, બોનસ, પગાર સ્લિપ, ઓવરટાઇમ પગાર, પગાર વધારો અને ગ્રેચ્યુઇટી જેવા શ્રમ કાયદા હેઠળના લાભોથી વંચિત રાખ્યા છે. સરકારે પગલાં લેવા જોઇએ. આ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી લગભગ બે લાખ કામદારો આજથી કામ પર જોડાશે નહીં.
સુરત ડાયમંડ એસોસિએશન (SDA)ના પ્રમુખ જગદીશ ખુંટે જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા બે વર્ષમાં ઘણા ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ્સ મંદીનો સામનો કરી રહ્યા છે, અને તેમને ટકી રહેવા માટે સરકાર તરફથી આર્થિક પેકેજના રૂપમાં સહાયની પણ જરૂર છે. મંદીને કારણે કામદારોના વેતનમાં છેલ્લાં બે વર્ષથી વધારો થયો નથી.